ભાષા શિક્ષણ અને શિક્ષકોની તાલીમ પ્રકલ્પ (કાર્યક્રમ) અંતર્ગત વિભિન્ન તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ગુજરાતી ભાષાના વર્ગો માટેની તાલીમ યોજવામાં આવે છે. આ માટે ભાષાના પ્રખર કાર્યકર્તા, નિષ્ણાતો દ્વારા શિક્ષકોને માતૃભાષાની સાચી પરખ અને ઉપયોગની આવડત કેળવાય તેના માટેના વર્ગો લેવામાં આવે છે. આવા ગુજરાતી ભાષાના વર્ગો વધુને વધુ સ્થળે યોજાય તેવું માતૃભાષા અભિયાનનો પરિવાર કરવા માંગે છે જેથી નવી પેઠીના ગુજરાતી ભાષાના ઉત્તમ શિક્ષકો તૈયાર થાય.
જે અંતર્ગત તા.૧૯-૮-૨૦૨૩, શનિવારનાં રોજ માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા સંવર્ધન પ્રકલ્પ અંતર્ગત “ગુજરાતી ભાષા-કૌશલ્ય તાલીમ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં ભાષા તજજ્ઞ તરીકે ડૉ. અરવિંદ ભાંડારી અને ડૉ. પિંકીબહેન પંડયાએ વિષય ચર્ચા કરી હતી. ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા શ્રવણ કૌશલ્ય વિશેની રસપ્રદ માહિતી ઝીણવટપૂર્વક અને સચોટ રીતે આપવામાં આવી. ડૉ.પિંકીબહેન પંડ્યાએ વાચન-લેખન કૌશલ્યની વાત કરતાં 'બાળકોને વ્યાકરણ શીખવવાનું નથી પણ તેની ઉપયોગિતા શીખવવાની છે.' - તેનુ દિશાસૂચન કરી ભાષાશિક્ષણના કેટલાક મહત્ત્વના પ્રશ્નો દ્વારા ચર્ચા કરી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાના ગુજરાતી ભાષાના શિક્ષકો દૂર દૂરથી આ તાલીમમાં હાજર રહ્યા હતા. તેમને આ તાલીમથી ભાષાના કૌશલ્યો અને ગુજરાતી વ્યાકરણશિક્ષણ અંગેની ઘણી પાયાની માહિતી મળી. આવી તાલીમો થતી રહે તેવી આશા પણ શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી.