ઓલિમ્પિયાડ શબ્દથી આજે લગભગ સૌ કોઈ પરિચિત છે, વિશ્વબંધુત્વ ફેલાવવાના ઉત્તમ માનવીય સંદેશ સાથે દર ચાર વર્ષે શરીર સૌષ્ઠવની રમતો ‘ઓલિમ્પિક ખેલ’ તરીકે ઓળખાય છે. આ ગૌરવવંતી રમતોનાં કારણે ‘ઓલિમ્પિક’ શબ્દ એ વિશ્વની સર્વે ભાષાનો શબ્દ બની ગયો છે. અંતરરાષ્ટ્રીય જ્ઞાન સ્પર્ધા છેલ્લા થોડા વખતથી યોજાય છે. જેને ઓલિમ્પિયાડ કહે છે અને નવી પેઠી તેની સાથે ખૂબ જ સરળતાથી જોડાઈ જાય છે ત્યારે તેનો જ ફાયદો લેવા અને નવી પેઠીને ગુજરાતી ભાષા સાથે સરળતાથી જોડાવા માટે ગુજરાતી ભાષાના ઓલિમ્પિયાડના વિચારનો ઉદભવ થયો.
માતૃભાષા અભિયાન દ્વારા 'માતૃભાષા ઓલિમ્પિયાડ' નો પ્રારંભ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ નારોલી પ્રાથમિક શાળાથી થયેલો અને હાલમાં ૫૦૦ શાળાથી પણ વધારે શાળા ગુજરાતી ભાષા ઓલિમ્પિયાડમાં જોડાયેલ છે. ગુજરાતમાં અનેક સ્થળોએ ગુજરાતી ભાષા વિષયક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં “મને ગમતું પુસ્તક વાર્તાલાપ’, વકૃત્વ, લેખન, કાવ્યપઠન, પાદપૂર્તિ, શીઘ્ર કાવ્ય-લેખન, શીઘ્ર નિબંધ-લેખન, મુદ્દા પરથી વાર્તા લેખન, કોશમાંથી શબ્દ શોધવાની સ્પર્ધા, ગુજરાતી શબ્દોની અંત્યાક્ષરીની રમત વગેરે સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે સુગમ સંગીત, ગરબો, લોકનૃત્ય, નાટક, એકપાત્રીય અભિનય વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. દરેક સ્પર્ધાના વિજેતાઓને પારિતોષિક આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
માતૃભાષા ઓલિમ્પિયાડનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષા અને તેને આનુસંગિક સંસ્કૃતિ માટે વિશેષ જાણકારી અને લગાવ ઉત્પન્ન થાય તથા આવી સ્પર્ધાઓ ગુજરાતી ભાષાના શિક્ષણને રસપ્રદ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય તેમ છે.