૨૧ મી ફેબ્રુઆરી એટલે ‘વિશ્વ માતૃભાષા ગૌરવ દિન.’ સને ૧૯૯૯-૨૦૦૦ થી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં કાર્યરત માતૃભાષા અભિયાને પણ આ દિવસને ગૌરવભેર ઉજવવાનો નિર્ધાર કરેલ છે તે પ્રમાણે માતૃભાષા અભિયાન અને શિક્ષણ વિદ્યાશાખા (IASE), ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ૨૧-૦૨-૨૦૨૩, મંગળવારનાં રોજ ‘વિશ્વમાતૃભાષા દિન’ ઉજવવાનું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા શિક્ષકો કે જેઓ ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ આપવાનું કામ કરે છે, આ શિક્ષકો માતૃભાષાને વિશેષ રીતે શીખવવાના અવનવા પ્રયોગો કરે છે, તેમના આ પ્રયોગોને વ્યાપક સમાજ સુધી લઈ જઈ શકાય તે હેતુથી એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી માતૃભાષાના સંવર્ધક અને માતૃભાષાના પ્રયોગવીર શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષા ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમનું સંચાલન કરનાર ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા દ્વારા “પ્રાથમિક શિક્ષણની સતતને સતત ચિંતા કરનાર અને પ્રાથમિક શિક્ષણ એટલે પાયાના શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય, તેનો બીજો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે”, આ બાબતના પ્રખર સમર્થક અને માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી સ્વ.ડૉ. પી.જી. પટેલ અને સ્વ. શ્રી રાસવિહારી વકીલ સાહેબને યાદ કરવામાં આવ્યાં.
ત્યારબાદ આ પ્રસંગે કુલ ૧૪ શિક્ષકોએ (રજૂ કરેલ બધાજ પ્રયોગોનાં શીર્ષક) વિષયો પર માતૃભાષાના વિકાસ અને સંવર્ધન સંબંધી તેમણે કરેલ શાળા કક્ષાએ અધ્યાપનનાં નવતરપ્રયોગો રજૂ કર્યાં હતાં. નવતરપ્રયોગ રજૂઆતનું સમગ્ર સંચાલન ડૉ. નીતિનકુમાર ઢાઢોદરા દ્વારા અને નિરીક્ષણ ભાષાવિજ્ઞાની શ્રી અરવિંદ ભાંડારી અને માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાષાવિજ્ઞાની શ્રી અરવિંદ ભાંડારી દ્વારા આ પરિસંવાદ અંગે તેમના અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા.
દ્વિતિય બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠનાં કુલનાયકશ્રી ભરતભાઈ જોષીએ માતૃભાષાનું સમર્થન કરતા તેમના અનુભવોની રસપ્રદ ચર્ચા કરી હતી. તેમણે પોતે પણ માતૃભાષામાં શિક્ષણ મેળવીને જે પ્રગતિ કરી છે તેમાં તેમને માતૃભાષાની કોઈ સમસ્યા નડી નથી. ત્યારે આજનાં માતા-પિતા કે વાલીઓ બાળકોનાં વિકાસમાં માતૃભાષાની સમસ્યા નડવાના બીકે પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષણ અપાવે છે તે આપણા માટે મોટામાં મોટી સમસ્યા છે. માતા-પિતા કે વાલીઓનો શિક્ષણના માધ્યમ પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ માતૃભાષાના અસ્તિત્વ માટેનો ખતરો પેદા કરનારો છે. આવો મત વ્યક્ત કરીને પાયાના શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા દ્વારા જ અપાવવાનું સમર્થન કર્યું હતું તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવેલા અને શાળાઓમાં ભાષાનાં સંવર્ધન માટે કાર્યરત શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.
માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલે પણ કુમળી વયનાં બાળકોને પાયાનું શિક્ષણ તો માતૃભાષા દ્વારા જ આપવાની હિમાયત કરી હતી. તેમણે માતૃભાષાને સબળ અને સામર્થ્યવાન બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ કરતા શિક્ષકોને માતૃભાષાના અવનવા પ્રયોગો કરવાની અપિલ કરી હતી.
આ પ્રસંગે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે માતૃભાષા અભિયાન દ્વારા પોતાની શાળામાં અને સમાજમાં માતૃભાષાની સેવા કરનાર ગુજરાતી વિષયના શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં......
૧. દયાબહેન સમજુભાઈ સોજીત્રા (અમરાપુર પ્રા. શાળા, તાલુકો- કુંકાવાવ, જિલ્લો-અમરેલી) ૨. દલસાણિયા વિજયકુમાર મગનલાલ (શ્રી સભારાવાડી પ્રાથમિક શાળા, જિલ્લો-મોરબી) ૩. ડૉ.રાકેશ રાવત (ઉ.મા.વિભાગ, આણંદ હાઈ સ્કૂલ, આણંદ) ને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી ભરતભાઈ જોષી, જાણીતાં ભાષાવિજ્ઞાની શ્રી અરવિંદ ભાંડારી અને જાણીતાં બાળસાહિત્યકાર શ્રી યશવંત મહેતાનાં હસ્તે પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માતૃભાષાનાં પ્રકલ્પ “દાદા-દાદીનો ઓટલો”માં ભાષા અને ભારતીય સંસ્કૃતિ માટે નિસ્વાર્થપણે પ્રદાન આપતાં ૨૦ કાર્યવાહકોને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જે ૧૪ શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કર્યા હતા તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
માતૃભાષા દિનની ઉજવણીનો આ સમગ્ર કાર્યક્રમ સાચા અર્થમાં માતૃભાષાના ગૌરવ સમાન બની રહ્યો હતો. ભાગ લેનાર બધાજ મિત્રોએ આવનારા ભવિષ્યમાં માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ‘માતૃભાષા દિન’ની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.